સન્ડે સ્પેશિયલ મોટીવેશનલ સત્ય કથા...



કેરળના મલ્લાપૂરમ જિલ્લામાં આવેલા એક નાના એવા ગામમાં રહેતો મોહમ્મદ અલી શિહાબ ભણવામાં ખૂબ નબળો હતો. વાંસના ટોપલા વેંચીને ગુજરાન ચલાવતા પિતાએ શિહાબને સરકારી શાળામાં બેસાડેલો પરંતુ શિહાબને ભણવું ગમતું નહિ એટલે શાળા છોડીને ઘરે આવી જતો અને પિતાને એના કામમાં મદદ કરતો. શિહાબ 11 વર્ષનો થયો ત્યારે અસ્થમાના રોગથી પીડાતા એના પિતાનું અવસાન થયું. શિહાબ સહિત 5 સંતાનોનું પાલનપોષણ કરવાની જવાબદારી શિહાબના માતા ફાતિમાબેન પર આવી પડી.

ફાતિમાબેન મજૂરી કામ કરતા પણ છતાં સંતાનોને પેટ ભરીને ખવડાવી શકે એટલુ નહોતા કમાઈ શકતા. ના છૂટકે ફાતિમાબેને હૈયા પર પથ્થર રાખી એક નિર્ણય કર્યો. સંતાનોને પેટ ભરીને જમવા મળે એટલે બે દીકરીઓ અને એક દીકરાને અનાથાશ્રમમાં મૂક્યા. 11 વર્ષનો શિહાબ પણ અનાથાશ્રમમાં આવ્યો. અત્યાર સુધી રખડુ જેવું જીવન જીવતો શિહાબ અનાથાશ્રમમાં આવતાની સાથે ત્યાંના શિસ્તપૂર્ણ વાતાવરણને લીધે બદલાવા લાગ્યો. એણે ફરીથી ભણવાનું શરૂ કર્યું. ધીમે ધીમે એને ભણવામાં રસ વધવા લાગ્યો. જેમ જેમ અભ્યાસ આગળ વધવા લાગ્યો તેમ તેમ અનાથ શિહાબ સુખી જીવનના સપના જોવા લાગ્યો.

અનાથાશ્રમમાં રહીને શિહાબ ખૂબ મહેનત કરવા લાગ્યો. સાંજે વહેલો વહેલો જમી લે અને 8 વાગ્યે સુઈ જાય. જ્યારે બાકીના બધા બાળકો સુઈ જાય ત્યારે મધરાતે શિહાબ જાગે અને પછી સવાર સુધી વાંચ્યા કરે. પોતાની સાથે રહેતા બીજા કોઈ મિત્રોને સુવામાં તકલીફ ન પડે એટલે માથે ચાદર ઓઢીને ટોર્ચના અજવાળે વાંચે. સારા માર્ક્સ સાથે બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી એને પટ્ટાવાળાની નોકરી મળી ગઈ. નોકરી કરતા કરતા એક્સ્ટર્નલમાં બી.એ.નો અભ્યાસ ચાલુ કર્યો. શિહાબે જ્યારે તેની કોલેજ પૂરી કરી ત્યારે તે 27 વર્ષનો હતો. કોલેજ પૂરી કરીને સરકારી નોકરી મેળવવા જુદી જુદી પરીક્ષાઓ આપવાની શરૂ કરી. સખત પરિશ્રમના પ્રતાપે આ અનાથ છોકરાએ સરકારી નોકરી માટેની જુદી જુદી 21 પરીક્ષાઓ પાસ કરી.

શિહાબ મોટો થતો ગયો તેમ તેમ તેના સપનાઓ પણ મોટા થતા ગયા. શિહાબે યુપીએસસીની પરીક્ષા પાસ કરીને કલેક્ટર બનવાનો સંકલ્પ કર્યો. ઉમર ઘણી વધી ગઈ હતી આમ છતાં હિંમત હાર્યા વગર પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી શરૂઆતના બે વર્ષમાં એને સફળતા ન મળી પણ નિરાશ થઈને હાર સ્વીકારવાની બદલે એણે પ્રયાસો ચાલુ રાખ્યા. કેરળનો વતની હોવા છતાં એનું અંગ્રેજી કાચું હતું એટલે શિહાબે યુપીએસસીની મુખ્ય પરીક્ષા માતૃભાષા મલયાલમમાં આપી અને ઇન્ટરવ્યૂ વખતે પણ દુભાષીયાની મદદ લીધી. શિહાબની મહેનત રંગ લાવી અને એણે યુપીએસસીની પરીક્ષા પાસ કરી. સારા મેરિટના કારણે આઈએએસ કેડર મળી અને નાગાલેન્ડ રાજ્યમાં પોસ્ટિંગ મળ્યું.

એકસમયે દારુણ ગરીબીમાં જીવતા હતા અને અનાથાશ્રમમાં ઉછરીને મોટા થયા હતા એવા મોહમ્મદ અલી શિહાબ એની મહેનતના બળે આજે નાગાલેન્ડ સરકારના સિનિયર આઈએએસ અધિકારી છે. જે એકસમયે ટોર્ચના અજવાળે ચાદર ઓઢીને ભણતા હતા એ આજે સરકારનો ઉર્જા વિભાગ સંભાળે છે.

તમારું આર્થિક કે સામાજિક બેકગ્રાઉન્ડ તમારી પ્રગતિમાં ક્યારેય બાધારૂપ બનતું નથી. શરત માત્ર એટલી કે તમને તમારી જાત પર વિશ્વાસ હોવો જોઈએ અને નિર્ધારિત ધ્યેયને પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા હોવી જોઈએ.

@શૈલેષ સગપરીયા