સન્ડે સ્પેશીયલ મોટીવેશનલ સત્યઘટના
બરવાળાના તાલુકા વિકાસ અધિકારી રવજીભાઈ ગાબાણી ઓફિસનું સામાન્ય કામ પૂરું કરીને ફિલ્ડ વિઝીટ પર જવા માટે એમની ચેમ્બર બહાર નીકળ્યા તો ગામડાનો એક ગરીબ માણસ બહાર ઉભો હતો. ગાબાણી સાહેબ એ ભાઈને જોઈને સમજી ગયા કે કોઈ કામ માટે આ ભાઈ આવ્યા લાગે છે એટલે એમને પૂછ્યું, 'કોઈ કામથી આવ્યા છો ? કોઈ રજુઆત કરવાની છે ?' પેલા ભાઈએ કહ્યું, 'સાહેબ, તમને એકલા મળવું છે. અત્યારે તમે બહાર જાવ છો એટલે હું કાલે તમે કહો ત્યારે આવી જઈશ.' ગાબાણી સાહેબે કહ્યું, 'કાલે બીજી વાર શુ ધક્કો ખાવો, આવ્યા જ છો તો મળી લઈએ.'
ચેમ્બરમાં જઈને અરજદારે કહ્યુ, 'સાહેબ, હું નાવડા ગામમાં રહું છું. મારું નામ પ્રવીણભાઈ ચૌહાણ છે. સરકારની આવાસ યોજનામાં મારું મકાન મંજૂર થયું છે અને પહેલા હપ્તાની રકમ પણ મળી ગઈ છે. હવે બીજા હપ્તાની રકમ વહેલી મળી જાય એ માટે વિનંતી કરવા આવ્યો છું.' ગાબાણી સાહેબે એ ભાઈએ સમજાવતા કહ્યું, 'તમારું મકાન લિંટલ લેવલ સુધી પહોંચી જાય એટલે તમને બીજો હપ્તો મળે. તમારું મકાન કેટલે પહોંચ્યું ?'
પેલા ભાઈએ કહ્યુ, 'સાહેબ, મકાન હજુ એટલે સુધી નથી પહોંચ્યું પણ રકમ બધી ખર્ચાઈ ગઈ છે. મારી ઘરવાળીને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવું પડે એમ છે. 10000ની જરૂર છે. તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે એમ છે ને ઘરમાં હવે કાંઈ નથી. બધો આધાર આ બીજા હપ્તા પર છે. જો બીજો હપ્તો મળી જાય તો એમાંથી પહેલા ઓપરેશન કરાવી લવ પછી મકાનનું કામ કરશું.'
ગાબાણી સાહેબે કહ્યું, 'ભાઈ, એવી રીતે નિયમોની ઉપરવટ જઈને તારો બીજો હપ્તો મંજૂર ન થઇ શકે. પહેલા તમે લિંટલ લેવલનું કામ કરો પછી જ હપ્તો મંજૂર થાય.' એ ભાઈ સાથેની વાતચીત દરમ્યાન ક્યાં ઓપરેશન કરાવવાનું છે એ વિગત જાણીને ગાબાણી સાહેબે ડોકટરને ફોન કરી ખાતરી કરી લીધી કે એ ભાઈ ખોટું નથી બોલતા. સંવેદનશીલ અધિકારીએ ગામડાની એ અજાણી વ્યક્તિને મદદ કરવા માટે પોતાના વિશ્વાસુ કર્મચારીને પોતાનું એટીએમ કાર્ડ અને પાસવર્ડ આપી એટીએમમાંથી 10000 ઉપાડી લાવવાનું કહ્યુ.
રકમ આવી એટલે એ ભાઈના હાથમાં આપતા કહ્યુ, 'હું તમારો આવાસ યોજનાનો બીજો હપ્તો તો મંજૂર નથી કરી શકતો પણ ઓપરેશન માટે આ રકમ મારા તરફથી આપું છું એ લઈ જાવ અને ઓપરેશન કરાવી લો.' પેલા ભાઈએ આનાકાની કરી પણ ગાબાણી સાહેબે પરાણે એ ભાઈને રકમ આપીને વિદાય કર્યા.'
અમુક સમય બાદ એ ભાઈનું મકાનનું કામ આગળ વધ્યું અને બીજો હપ્તો પણ ચૂકવાઈ ગયો. થોડા દિવસ પછી પ્રવીણભાઈ પોતાની પત્ની સાથે સાહેબને મળવા આવ્યા અને પેલા 10000 પાછા આપ્યા. ગાબાણી સાહેબે કહ્યું, 'એ પાછા નથી આપવાના તમને મદદ તરીકે જ આપ્યા છે.' દંપતીએ પણ પરાણે રકમ પરત કરીને કહ્યું, 'સાહેબ, તમે ખરા સમયે મદદ કરી તો અમને મુશ્કેલીમાં બહુ રાહત મળી આ રકમ લઇ લો, એમાંથી કોઈ બીજાને જરૂર હોય તો એને મદદ કરજો.'
આ સત્ય ઘટનામાં એક અધિકારીની સંવેદનશીલતા અને એક સામાન્ય માણસની ખાનદાની બંનેના કેવા દર્શન થાય છે.
@ શૈલેષ સગપરિયા