સત્ય ઘટના પર આધારીત લઘુ કથા
મારી પત્ની હેતલે મેઇન્ટનન્સનું કામ સંભાળતા એક કર્મચારીને ફોન કર્યો તો સામેથી દરવખત મળતો તેવો typical જવાબ મળ્યો, “ સાંજે માણસ મોકલું છુ.”
અને પાંચ દિવસે સવારે ૧૦ વાગ્યે એમની સાંજ પડી.સરકારી પ્લમ્બર તો ન આવ્યો પણ એના બદલામાં એક માણસ આવ્યો. દેખાવે સાવ લઘર-વઘર અને મેલાં-ઘેલા કપડા પહેરેલો.બધુ check કરીને એને કહ્યું, “ એક પાઇપ,એક એલ્બો અને એક નળ લાવવો પડશે.”
મનમાં તો મને બહુ ગુસ્સો આવ્યો રિપેરીંગનું કામ સંભાળતા કર્મચારીઓ પર કે એક તો આટલા દિવસે માણસ મોકલ્યો અને તે પણ ભગવાન જાણે કે એને આવડતું હશે કે કેમ? મારે પણ ઓફિસ જવામાં મોડું થતુ હતું તો મે કહ્યુ , “ ચાલ,મારી બાઇક પર બેસી જા આપણે લઇ આવીએ.” એ ભાઇ મારી બાઇક પાછળ આવીને બેઠો અને કચવાતા મને મે બાઇકને કીક મારી.
રસ્તામાં મે પૂછ્યુ, “ ક્યાં નો છે ભાઇ?”
“ ગોધરાનો” જવાબ મળ્યો.
“ અહીયા વડોદરામાં ક્યાં રહે છે?” મે બીજો સવાલ કર્યો.
“ સલાટવાળા સરકારી વસાહત છે ત્યાં રહીએ છે સાહેબ કામ ચાલુ છે” એને જવાબ આપ્યો.
“ લગ્ન થયા કે નહિ?” લોકોના જીવનમાં ખણખોદની મારી આદતને લીધે મારા સવાલો ચાલુ જ રહ્યાં.
“ લગ્ન થઇ ગયા છે અને બે બેબી છે સાહેબ..બધા ગામડે છે” એને કહ્યુ.
એટલામાં દુકાન આવી ગઇ.જોઇતો સામાન એને લીધો અને બિલ બનાવ્યુ તો ૪૫૦ રૂપિયાનું થયું. બિલ ચુકવવા મે ખિસ્સામાંથી પર્સ કાઢ્યુ ત્યાં તો એ બોલ્યો, “ હુ આપી દઉ છુ સાહેબ..બિલ ઓફિસમાં આપીશ એટલે મને પૈસા મળી જશે” અને એક કોરેથી ફાટેલા શર્ટના ખીસ્સામાંથી ૫૦૦ની નોટ કાઢીને દુકાનદારને આપી દીધી.
બધું ઘરે લાવીને ફીટ કરી દીધું અને જવા લાગ્યો તો મે કહ્યું , “પેલા પૈસા મેં ચુકવી દીધા હોત તો પણ આ બિલ બતાવીને તું બીજા ૪૫૦ રૂપિયા ઓફિસમાંથી લઇ લેતો તો કોણે ખબર પડવાની હતી?”
“ ઉપરવાળાથી થોડું છાનું રહેવાનું હતું, સાહેબ” હુ એનો જવાબ સાંભળીને છક્ થઇ ગયો.એક ગુટખાથી પીળા પડી ગયેલાં દાંત,લઘરવઘર દેખાવ,મેલાં-ઘેલાં કપડા પાછળ રહેલ એક અસામાન્ય માનવને હુ જોઇ રહ્યો. કેટલાક લોકોના કપડા ભલે મેલાં હોય પરંતુ એમનું ચારિત્ર એકદમ અણીશુધ્ધ હોય છે.મારી કહેવાતી સભ્યતા એની સામે મને વામણી લાગવા માંડી.એ ઘરમાંથી તો નિકળી ગયો પણ મારા અસ્તિત્વને ખળભળાવી ગયો.
કદાચ આ પ્રુથ્વી આવા ગણ્યાં-ગાઠ્યાં લોકોને કારણે જ ટકી રહી છે નહિતર ક્યારનુંય એનુ કાસળ નીકળી ગયુ હોત.